એક શિક્ષકનો વાલીને પત્ર....

એક શિક્ષકનો વાલીને પત્ર....


પ્રતિ વાલીશ્રી આપનું બાળક ભયાનક રોગના બિહામણા સ્વરૂપથી બચવા છેલ્લા એક વર્ષથી શાળામાં આવી શક્યું નથી. અમારી શાળા આપના પંખીડાઓ વિના સુની પડી ગઈ છે. આજે શાળાના મેદાનમાં બેઠા બેઠા મને એક બાળકના અવાજનો ભાસ થયો ને મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા, સવારથી સાંજ સુધી કલરવ કરતાં આ ફુલડાઓ ક્યાં સંતાઈ ગયા.
    પણ વાલી શ્રી આપ ચિંતા ના કરતા .કોઈ વસ્તુ કાયમ નથી કાલ સવાર પડશે ને સોનાનો સુરજ ફરી ઉગશે ફરી આપણે સાથે મળી આ અદ્રશ્ય શત્રુને મ્હાત કરીશું અને ફરી આપણે વિજેતા બનીશુ, ત્યાં સુધી આપના બાળકને ઘરે એ શીખવજો કે આ પૃથ્વીના માલિક આપણે એકલા નથી આ પૃથ્વી ઉપર સૂક્ષ્મમાં સૂક્ષ્મ સજીવ હોય કે નિર્જીવ દરેક જીવને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે  એને એ પણ શીખવજો કે આપણે ડોક્ટર બનીશું ઈજનેર બનીશું કે મોટા બિઝનેસમેન બનીશું પણ જો એક સારા પુત્ર, પિતા, પતિ, ભાઈ મિત્ર કે સારા નાગરિક નહીં બનીએ તો આપણું ભણેલું બધું ધૂળ થઈ જશે. અમને ખબર છે કે આપનુ બાળક શાળામાં નથી આવતું એનું શિક્ષણ બગડી રહ્યું છે પણ ચિંતા ના કરશો થોડા મૂળાક્ષરો અને થોડા અંકોને વ્યવસ્થિત ગોઠવી અમે સડસડાટ બોલતા કરી દઈશું પણ જીવનમાં અમે શીખવેલા શબ્દો અને અંકોનો ક્યાં ઉપયોગ કરવો એ જરા શીખવી દેજો એને સાથે રાખીને એના જન્મ વખતના સાચવેલા બાળોતિયા બતાવજો કે માણસના જીવનની શરૂઆત અહીંથી થાય છે અને ઘડીક સમય મળે તો સ્મશાન ઘાટ સુધી લાઇ જજો અને ત્યાં પડેલા સફેદ વસ્ત્રને બતાવીને કહેજો કે બેટા માણસનું આ અંતિમ સરનામું છે. માણસના જન્મ વખતનું બાળોતિયુ તેની  સાથે તેના જેટલું જ મોટું થયું છે પણ દીકરા તું કદ કરતા વધારે વેંતરવાની લાહ્યમાં કોઈ નિર્દોષના જીવને દુભાવતો નહીં.
     વાલી શ્રી આપના બાળકને શાળામાં આવતાંજ હું એને ડુંગળીના કોષો વિશે શીખવીશ  પણ આપની પાસે છે ત્યાં સુધી એને કોઈ ખેતરની મુલાકાત લેવડાવી ડુંગળીના વાસ્તવિક છોડને બતાવી કહેજો કે એનું ઝાડ ના હોય અને હા એને હું પુસ્તકમાં આવતી વિવિધ વનસ્પતિઓ વિશે જરૂર ભણાવીશ પણ તમારી પાસે છે ત્યાં સુધી એને વાસ્તવિક વનસ્પતિને દેખાડી એનામાં વૃક્ષો અને પર્યાવરણની જાળવણી માટે સંસ્કાર આપજો ને કહેજો કે આ વૃક્ષોમાંથી મળતા ઓક્સિજનના અભાવના કારણે કેટલાય લોકો હમણાં મૃત્યુ પામી રહ્યા છે ..એમ કહી એનામાં થોડી લાગણી ભરજો...  એને એ પણ શીખવજો કે આપણી સરહદો તો આપણા સૈનિકો સાચવે છે અને ત્યાં દુશ્મન પણ દેખાય છે તેથી તેને મારી પણ શકાય છે પણ તારા દેશમાં આ જે અદ્રશ્ય દુશ્મનો છે તે જોઈ શકાતા નથી અને તારા દેશને અંદરથી ખોખલો બનાવી રહ્યા છે પણ તારા શિક્ષણથી અને સંસ્કારોથી તારા સમાજ અને દેશનું ભલું કરજે. વાલી શ્રી એને કલમ ઉપાડતા તો હું શીખવી દઈશ પણ આ દેશની રક્ષા માટે સમય આવે હથિયાર ઉપાડવાની હામ પણ આપ આપજો... અને આમાંથી કંઈજ ના થાય તો આપનું બાળક ઘરે છે ત્યાં સુધી એને સારામાં સારી વીર પુરુષોની  વાર્તાઓ કહી સંસ્કારોનું સિંચન કરજો...  એ પણ એક મોટી દેશસેવા જ છે       
જય હિન્દ